વાઘોડીયા જીઆઇડીસીમાં આવેલ પ્લોટ નં.1405ના ગોડાઉનમાંથી એક હાઇડ્રો ક્રેન કંપનીમાંથી પતરા ઊંચકીને રિવર્સ કંપની બહાર જતો હતો. હાઇડ્રોના બકેટ પાસે બાંધેલા પતરા હાલી ના જાય અને ગેટ સાથે અથડાય નહિ તે માટે કેટલાક કામદારો આગળના ભાગેથી પતરા પકડી ચાલી રહ્યા હતા.

ત્યારે હાઇડ્રો ક્રેન ચાલકે બેદરકારીથી રિવર્સ કરતાં તેનું ટાયર વરસાદી કાંસ પાસે સ્લિપ થતાં કંપનીની બાજુમાં આવેલ વરસાદી કાંસમાં ક્રેન ધીરે ધીરે નમી પડી હતી. જેથી પતરા પકડી ચાલતા કામદારો ભાગી ગયા હતા. ક્રેન કંપનીની બહાર તો નીકળી પરંતુ વરસાદી પાણીમાં પલટી જતાં ક્રેનની આગળ આવેલ લોખંડનું બકેટ લાંબું હોવાથી કંપનીના કંમ્પાઊન્ડ વોલ સાથે અથડાયું હતું. ત્યારે દીવાલ નજીક ઊભેલ કામદાર કેશુભાઇ રાઠવા (18) રહે.માંડવાડા તા. કવાંટને બકેટ માથાના ભાગે વાગ્યું હતું. બકેટ વાગતાં તેણે પહેરેલ હેલ્મેટના ફુરચા ઊડી જતાં કેશુભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. સુપરવાઈઝરે ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જ્યાં તેને ICUમાં દાખલ કરાયો હતો. બાદ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના બાદ ક્રેન ચાલક સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. મોતને ભેટેલ આશાસ્પદ યુવકના દોઢ માસ પૂર્વે જ લગ્ન થયા હતા. યુવકના મોતથી પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. કંપની દ્વારા સુમન રાઠવાએ હાઇડ્રોક્રેન ચાલક સામે વાઘોડિયા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.





