ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર AAP પ્રમુખ ભંડેરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખનો દાવો. ધર્મેશ ભંડેરીએ આજે (3 એપ્રિલ) સવારે જણાવ્યું હતું કે મોનાલી હીરપરા ( ધાર્મિક માલવિયાની પત્ની)એ વોર્ડ નંબર બેમાં આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી હતી. જો કે આ સમગ્ર મુદ્દે ધાર્મિક માલવિયા બાદ હવે મોનાલી હિરપરાએ સોશલ મીડિયામાં પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે મેં ચૂંટણીમાં દાવેદારી કરી નથી.

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) ના પૂર્વ કન્વીનર અને જાણીતા પાટીદાર અગ્રણી ધાર્મિક માલવીયાએ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની સેન્સ પ્રક્રિયામાં હાજરી આપી હતી. તેમણે વોર્ડ નંબર 2 માંથી ભાજપની ટિકિટ માટે પ્રબળ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ, ધાર્મિક માલવીયાના પત્ની એડવોકેટ મોનાલી હીરપરા જેઓ આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેમણે ફરી એકવાર મેદાનમાં ઉતરવાની તૈયારી બતાવી હોવાનો આપના શહેર પ્રમુખએ શુક્રવારે સવારે દાવો કર્યો હતો. ધર્મેશ ભંડેરીએ કહ્યું હતું કે મોનાલી હીરપરા છેલ્લા પાંચ વર્ષથી પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વોર્ડ નંબર 2 માટે ઉમેદવારીની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો કે શું પતિ-પત્ની વચ્ચે જંગ જામશે.

આ સમગ્ર મામલે ત્યારે વળાંક આવ્યો જ્યારે ધાર્મિક માલવીયા અને આપના શહેર પ્રમુખના નિવેદનો સામસામે આવ્યા છે.આપ શહેર પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું હતું કે, મોનાલી હિરપરા છેલ્લા પાંચ વર્ષથી પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વોર્ડ નંબર 2 માટે ઉમેદવારીની ઈચ્છા વ્યક્ત કરી છે. બહેન પોતે આવીને સેન્સ આપી ગયા છે.એમણે કહ્યું છે કે વોર્ડ નંબર-2ના લોકો માટે કામ કરવા માંગુ છું.પાર્ટી મને ઉમેદવાર તરીકે પસંદ કરશે તો ફરીથી કોર્પોરેટર બનવા માંગુ છું અને કોર્પોરેટર બનીશ. તો આ તરફ ધાર્મિક માલવીયાએ ભાજપમાંથી દાવેદારી કરી છે. એ સાથે તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જવાબ આપ્યો કે, તેમના પત્ની આમ આદમી પાર્ટીમાં સક્રિય નથી અને રાજકીય ક્ષેત્રમાં હવે આગળ વધવા નથી માંગતા.

તો આ તરફ પાસના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયાના સ્થાને હવે તેમના પત્ની કાવ્યા કથીરિયાએ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું છે. કાવ્યા કથીરિયાએ આગામી ચૂંટણી માટે ભાજપમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં તેમણે સુરતના વોર્ડ નંબર 3 માટે ફોર્મ ભર્યું છે. ખાસ વાત એ છે કે, આ દાવેદારી માટેનું ફોર્મ અન્ય એક જાણીતા પાસ નેતા ધાર્મિક માલવિયા દ્વારા ભરવામાં આવ્યું હતું, જે આ ફેરબદલ અને રાજકીય સમીકરણોમાં નવી ચર્ચા જગાવી રહ્યું છે. વોર્ડ નંબર 2માં સૌથી વધુ પાટીદાર વસ્તી છે. આ સાથે જ સુરત શહેરનો સૌથી વધુ વસ્તી ધરાવતો વોર્ડ છે. 2021માં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવાર અહીંથી જીત્યા હતા.ત્યારબાદ ભાવના સોલંકી અને અલ્પેશ પટેલ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા.જ્યારે રાજેશ મોરડીયાને આમ આદમી પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ વોર્ડમાં માત્ર એક જ કોર્પોરેટર એડવોકેટ મોનાલી હિરપરા રહ્યા હતા.પાટીદારોના ગઢ ગણાતા આ વોર્ડમાં આપનો પણ દબદબો રહ્યો છે. ત્યારે હવે ભાજપ પણ પાટીદાર ને જ ઉભો રાખીને આપને ટક્કર આપે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જોકે ભાજપમાં જ દાવેદારી કરનાર ધાર્મિક માલવયાની પત્ની એડવોકેટ મોનાલી હિરપરાએ આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવતા ચર્ચાનો વિષય બન્યા છે.

  • Related Posts

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી…

    ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવતો

    ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાંથી માનવતાને હચમચાવી નાખતી એક એવી ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિની આંખોમાં આંસુ આવી જાય. જ્યાં એક દીકરી પોતાને સૌથી સુરક્ષિત…

    error: Content is protected !!