વડોદરાની વિઝન પ્લસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કાર્યરત એફ.આર.ટી. (ફોલ્ટ રિપેરીંગ ટીમ) ના આશરે 250થી 300 યુવાનો આજે પગાર વિલંબના કારણે હડતાલ પર ઉતરી આવ્યા છે. મોડી રાત્રે કર્મચારીઓએ વિવિધ વિભાગોમાં વિરોધ નોંધાવ્યો હતો અને કાર્યબંધનું એલાન કર્યું હતું.આ તમામ યુવાનો મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા વિઝન પ્લસ નામની એજન્સી મારફતે કોન્ટ્રાક્ટ આધારિત નોકરીએ નિમાયા હતા. છેલ્લા આઠ મહિનાથી પગાર નિયમિત ન મળતા હવે તેઓએ હડતાલનો રસ્તો અપનાવ્યો છે.કર્મચારીઓ પાણીગેટ, કારેલીબાગ, વાડી, અકોટા, ઇન્દ્રપુરી અને જીઆઇડીસી જેવા વિસ્તારોમાં ફરજ બજાવતા હતા. તેમની ભૂમિકા ડ્રાઈવર, લાઇનમેન અને હેલ્પર તરીકે રહી છે. તેઓએ ગુસ્સાથી જણાવ્યું કે, “અમે તાપમાં, વરસાદમાં સતત વીજસેવાની કામગીરી કરી છે, છતાં અમારી મહેનતનો વળતર મળતો નથી. અમારું જીવન મુશ્કેલીભર્યું બની ગયું છે.” હડતાલના પગલે સ્થાનિક વીજસેવામાં પણ અસર થવાની શક્યતા છે. હાલમાં કર્મચારીઓ કંપની સામે પગાર ચુકવણી માટે હક્કના અવાજ સાથે ડટીને ઊભા રહ્યા છે અને તાત્કાલિક પગાર ચુકવવા માંગ કરી છે.





