વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આનંદ નગર સામે આવેલી અક્ષતા સોસાયટી છેલ્લા 16 દિવસથી ગંભીર પાણી સમસ્યાનો સામનો કરી રહી છે. સ્થાનિક રહેવાસીઓ અનુસાર દિવસો સુધી પૂરતું પાણી મળી રહ્યુ નથી અને જે આવે છે તે પણ બહુ ઓછા દબાણ (પ્રેશર) સાથે.
સોશાયટીના રહીશો કહે છે કે, પાણીની સમસ્યા અંગે વારંવાર તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ સામે આવ્યુ નથી. 16 દિવસથી જીવતરણ માટેના પાણી માટે લોકોને tanker મંગાવવા પડે છે, જેના લીધે તેમને આર્થિક ભારણ પણ સહન કરવું પડી રહ્યું છે.
આ ગંભીર સ્થિતિ સામે આજે અક્ષતા સોસાયટીના રહીશોએ તંત્ર વિરુદ્ધ એકતા દર્શાવી ઉગ્ર પ્રતિકાર નોંધાવ્યો. સોસાયટીમાં રહેનારા પુરુષો-મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને મટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. રહેવાસીઓએ તંત્રની નિષ્ક્રિયતાની તીવ્ર ટીકા કરી અને જણાવ્યું કે જો પાણીના પ્રશ્ને તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ આગળ વધીને ધારાસભ્યના કાર્યાલય આગળ ધરણા કરશે.
તેમણે જણાવ્યું કે, “પાણી જેવી મૂળભૂત સુવિધા માટે આમ ત્રાહીમામ અવસ્થા સર્જાય એ દુઃખદ છે. પાણી વગર જીવન અશક્ય છે, છતાં તંત્ર એવુ વર્તન કરે છે કે જાણે કશું જ બન્યું નથી. હવે અમે ચુપ બેસવાના નથી, અમારો આ અવાજ દબાઈ જવા દઇશું નહીં.”
અક્ષતા સોસાયટીની આ પાણી સમસ્યા સમગ્ર શહેરના પાણી વિતરણ તંત્ર સામે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. તંત્રએ જો તાત્કાલિક નિરાકરણ ન લાવ્યું તો આ સમસ્યા વણસતી જાય એ નક્કી છે.





