
બરોડા ડેરી દ્વારા કરવામાં આવેલા દૂધના ભાવ વધારાને લઇને આજરોજ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બરોડા ડેરી બહાર ખાલી દૂધની થેલીનો હાર પહેરીને કોંગી પ્રમુખ રૂત્વિજ જોશી સહિતના આગેવાનો પહોંચ્યા હતા અને આ અંગે ડેરીના એમડીને રજુઆત કરવામાં આવી હતી. સાથે જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિંમકી પણ ઉચ્ચારી હતી.શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશીએ જણાવ્યું કે, પ્રજા મોંઘવારીથી પીસાઇ રહી છે. એક લિટરે રૂ.2નો દુધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. હમણાં પેટ્રોલ ડિઝલ કે ઘાસચારાના ભાવમાં વધારો થયો નથી. ઘરમાં ચાર વ્યક્તિઓ હોય તો એક લિટર દુધ જોઇએ. વિચારો મહિને કેટલો બોઝ પડે. સરકારે આ ભાવ વધારો કેમ કર્યો? તેમ પુછવું જોઇએ. શું બરોડા ડેરીમાં ચૂંટણી આવી રહી છે, તે માટે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે? તેવો આરોપ મુકતો સવાલ પુછવામાં આવ્યો છે.બરોડા ડેરીના એમડી અજય જોશી આવેદન પત્ર સ્વિકારવા માટે બહાર આવ્યા હતા. જ્યાં રૂત્વિજ જોશી દ્વારા ભાવ વધારો પરત ખેંચવા અંગે જણાવ્યું હતું. જો તેમ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અત્રે નોંધનીય છે કે, બરોડા ડેરી જ નહિં પરંતુ રાજ્યની મોટા ભાગની ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.