
સુરત : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા અને 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ સમયે પી. પી. સવાણી પરિવાર આ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે અને આ ભારે દુઃખની ઘડીમાં તેમની સાથે ઉભી છે.
પી. પી. સવાણી પરિવારના મહેશભાઇ સવાણીએ આજે જાહેર કર્યું છે કે ઘરના મોભી ગુમાવી ચૂકેલા પરિવારની સાથે પી.પી. સવાણી પરિવાર ખભે ખભા મિલાવીને ઊભો છે. પહલગામના આતંકવાદી હુમલામાં ભોગ બનેલા પરિવારના બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉઠાવીશું. આ પરિવારનું બાળક જ્યાં શિક્ષણ મેળવતું હશે અને જે બાળકને પી.પી. સવાણી શાળામાં કે એની યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હશે તો અમે એની તમામ રહેવા, જમવાની તથા શિક્ષણ સહીતની વ્યવસ્થા પણ આ પી.પી.સવાણી ગ્રુપ ઉપાડશે.
ભૂતકાળમાં જમ્મુ અને કાશ્મીરના ઉરી હુમલા વખતે પણ શહીદ પરિવારના બાળકના શિક્ષણની જવાબદારી ઉઠાવી હતી. એમ જ બીજા હજારો બાળકો પણ પરિવારના મોભીના જતા રહેવાથી શિક્ષણથી વંચિત ન રહે તેની જવાબદારી સવાણી પરિવાર ઉઠાવતું રહ્યું છે. આજે દેશ આખું દુખી છે, વ્યથિત છે અને આક્રોશીત ત્યારે આ પી.પી. સવાણી પરિવારે ફરી એકવખત પોતાના સંવેદનશીલ સ્વભાવની પ્રતીતિ કરાવીને મૃતકના પરિવારના બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવવાની જાહેરાત કરી છે. સરકાર સાથે સંકલન કરી આ પરિવારનો સંપર્ક કરવામાં આવશે.
સુરત સ્થિત રહેતા શૈલેષભાઈ કળથીયાનું પણ આ આંતકી ક્રૂર હુમલામાં મોત થયું છે ત્યારે તેમના બંને દીકરા-દીકરીનું સપનું ડોકટર-એન્જીનીયર બનવાનું હોય ત્યારે આ સપનું પૂરું કરવા માટે પણ તેમના બાળકોને પી.પી.સવાણી શાળામાં અભ્યાસ કરવો હોય તો તેમનું સપનું સાકાર કરવા માટે પણ પી.પી.સવાણી ગ્રુપ સહયોગી બનશે.