પહેલાં પપ્પાનો ફોટો પાડી રહેલા દીકરાની છાતી વીંધાઈ ગઈ અને પછી પપ્પાને પણ ગોળી વાગી

પતિ અને દીકરાને આતંકવાદીઓએ ગોળી મારી એ જોઈને કાજલ પરમાર બેભાન થઈને ઢળી પડ્યાં : ભાવનગરથી કાશ્મીર ગયેલું ૨૦ વ્યક્તિઓનું ગ્રુપ સાઇટ-સીઇંગ માટે પહલગામ ગયું અને આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં નાસભાગ મચી ગઈ

ભાવનગરથી કાશ્મીર ગયેલા ગ્રુપના સભ્યોએ કાશ્મીરમાં ગ્રુપ-ફોટો પડાવ્યો હતો.

કાશ્મીરમાં મોરારીબાપુની કથામાં સહભાગી થવા અને કાશ્મીરમાં ફરવા માટે ભાવનગરની ૨૦ વ્યક્તિઓ ગઈ હતી જેમાં પહલગામમાં આતંકવાદીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં યતીશ પરમાર અને તેમનો દીકરો સ્મિત મૃત્યુ પામ્યા હતા. પતિ અને દીકરાને પોતાની નજરો સામે જ ગોળી વાગી એ જોઈને કાજલ પરમાર બેભાન થઈને ઢળી પડ્યાં હતાં. આતંકવાદીઓએ કરેલા બેફામ ગોળીબારને કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ અને ભયના માહોલ વચ્ચે લોકો જીવ બચાવવા જ્યાં જગ્યા મળી ત્યાં ભાગવા માંડ્યા હતા.

આતંકવાદીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં મૃત્યુ પામેલા યતીશ પરમાર અને પુત્ર સ્મિત તથા આ ગોઝારી ઘટનામાં બચી ગયેલાં કાજલ પરમાર.

પહલગામમાં જે સ્થળે આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળીબાર કર્યા હતા એ સ્થળે ભાવનગરના ૨૦ લોકો પણ હતા. એ બધા પોતપોતાની રીતે કાશ્મીરની ઠંડકને અને સૌંદર્યને નિહાળી રહ્યા હતા એ દરમ્યાન આતંકવાદીઓએ કરેલા ગોળીબાર બાદ નાસભાગ થઈ હતી. એ સમયે આતંકવાદીએ છોડેલી ગોળી પપ્પાનો ફોટો પાડી રહેલા સ્મિત પરમારની છાતી વીંધીને નીકળી ગઈ અને તેના પપ્પા યતીશભાઈને પણ ગોળી વાગતાં તેઓ સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બનેલા ભાવનગરના પિતા-પુત્ર યતીશ પરમાર અને સ્મિત પરમારના સ્વજન નિખિલ અને પ્રકાશ નાથાણીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મારાં બહેન-બનેવી અને ભાણિયા સહિત ૨૦ જણનું ગ્રુપ ૧૬ એપ્રિલે જમ્મુ-કાશ્મીર અને શ્રીનગર મોરારીબાપુની કથામાં ગયું હતું. મંગળવારે તેઓ સાઇટ-સીઇંગ માટે પહલગામ ગયા હતા. આ ઘટના બની ત્યારે મારો ભત્રીજો તેમની સાથે હતો. તેણે ફોન કરીને કહ્યું કે કાકા, આતંકવાદીઓએ હુમલો કર્યો છે, ફાયરિંગ થયું છે અને સ્મિતભાઈને છાતીમાં ગોળી વાગી છે, ઘણા માણસોને ગોળી વાગી છે. આ ઘટનામાં મારા બનેવી અને ભાણેજનુ મૃત્યુ થયું છે અને મારાં બહેન બચી ગયાં છે.’

ભાવનગરના બે નાગરિકોના મૃતદેહને ગઈ કાલે રાતે વિમાનમાર્ગે અમદાવાદ ઍરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ બન્ને પાર્થિવ દેહને ભાવનગર લઈ જવામાં આવ્યા હતા.

ભાવનગરમાં યતીશભાઈના ઘરે એકઠા થયેલા સ્વજનો.

ભાવનગરના વિનોદ ડાભી અને તેમનાં પત્ની લીલા ડાભીએ દલ લેક પર ફોટો પડાવીને દીકરીને મોકલ્યો હતો.

આતંકવાદીઓએ કરેલા ફાયરિંગમાં ભાવનગરના વિનોદ ડાભી ઇન્જર્ડ થયા હતા અને તેમનાં પત્ની બચી ગયાં હતાં. તેમનાં દીકરી શીતલ ડાભીએ કહ્યું હતું કે ‘ભાવનગરથી ૨૦ જણ કાશ્મીર ગયા હતા એમાં મારાં મમ્મી-પપ્પા લીલાબહેન અને વિનોદભાઈ પણ હતાં. ઘટના બની એ દિવસે તો મમ્મી સાથે મારી વાત થઈ હતી. તેમણે કહ્યું હતું કે અમે અહીં બહુ ખુશ છીએ, બહુ મજા આવી રહી છે. જોકે સાંજે સમાચાર આવ્યા કે પહલગામમાં આતંકવાદી હુમલો થયો છે એટલે તરત જ ત્યાં એક રિલેટિવને ફોન કર્યો ત્યારે ખબર પડી કે આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં મારા પપ્પાના હાથમાં ગોળી વાગી છે અને તેમને સારવાર માટે લઈ જવાયા છે. મોડી રાતે પપ્પા સાથે વાત થઈ ત્યારે તેમણે કહ્યું કે અમે બધા મેદાનમાં બેઠા હતા ત્યારે ગોળીનો અવાજ આવ્યો અને અમે કંઈ સમજીએ એ પહેલાં બીજી ગોળીનો અવાજ આવ્યો અને પછી ધડાધડ ગોળીઓ છૂટવા માંડી એટલે બધા જીવ બચાવવા દોડ્યા એમાં મારા હાથમાં ગોળી ઘસાઈને નીકળી ગઈ. મારા પપ્પા ઈજા પામ્યા હતા અને મમ્મી બચી ગઈ છે, પણ આ ઘટનાની ગંભીર અસર તેમના પર પડી છે અને અમારી સાથે વાત કરતાં રડી પડ્યાં હતાં.’

 

 

  • Related Posts

    પહલગામમાં થયેલ આંતકી હુમલાના મૃતક સ્વજનોના બાળકોના શિક્ષણની જવાબદારી સુરતનું પી.પી. સવાણી ગ્રુપ ઉઠાવશે

    સુરત : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા અને 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ સમયે પી. પી. સવાણી પરિવાર આ…

    રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટ ની સમીક્ષા કરવામાં આવી હતી.

    વિશ્વામિત્રી પ્રોજેકટની ઝડપથી અને ધાર્યા કરતા વધુ ઝડપે કામગીરી થઈ રહી હોવાનું વડોદરા આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.વરસાદ પહેલા 32 ટકા કામગીરી ઇરીગેશન વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!