- દવાના ઓવરડોઝને કારણે 18 વર્ષીય યુવકનું મોત
- યુવકને નશાકારક દવાનું ઈન્જેક્શન આપ્યા બાદ મોત
- કંપાઉન્ડર મિત્ર પાસેથી પ્રિન્સે મેળવ્યો હતો દવાનો ડોઝ
- સમગ્ર મામલે ઇસનપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા ઘોડાસર તળાવ પાસે ગત શુક્રવારે એક વિધાર્થીની લાશ મળી હતી. આ વિદ્યાર્થીનું ઈન્જેક્શનના ઓવરડોઝના કારણે મોત થયાનું સામે આવ્યું છે. 18 વર્ષીય વિદ્યાર્થીએ મિડાઝોલમ નામની દવાનો 3MLનો ડોઝ ઈન્જેક્શનમાં લીધો ને ગણતરીની મિનિટોમાં મોઢામાંથી ફીણ નીકળતા જ તેનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકની માતાએ ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા પોલીસે રાજસ્થાનથી આરોપીની ધરપકડ કરીને સાઅપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો છે.
કોલેજ જવાની જગ્યાએ તેના મિત્રને મળવા ગયો
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનનો અને વટવામાં રહેતો 18 વર્ષીય પ્રિન્સ શર્મા દહેગામ મોનાર્ક યુનિવર્સિટીમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જેમાં કાયમ તેના મિત્ર તરુણ સાથે કોલેજમાં આવતો જતો હતો. ગત શુક્રવારે સવારે પ્રિન્સ રાબેતા મુજબ તેની કોલેજ જવા તેના મિત્ર તરુણ સાથે નીકળ્યો હતો પરંતુ, કોલેજ પહોંચવાની જગ્યાએ બંને ઘોડાસર તળાવમાં તેના મિત્ર જયદીપ સુથારને મળવા પહોંચ્યા હતા. તે એક ખાનગી હોસ્પિટલમાં મેઈલ નર્સ તરીકે કામ કરે છે. તે અવારનવાર સર્જરી દરમિયાન બેભાન કરવા માટે વપરાતા ઈન્જેક્શનની હોસ્પિટલમાંથી ચોરી કરીને નશાના આદી બનેલા લોકોને આપીને તેમની પાસેથી રુપિયા લેતો હતો.
ઈન્જેક્શનમાં 3MLનો ડોઝ આપ્યો ને મોઢામાંથી ફીણ નીકળ્યા
ગત શુક્રવારે ઘોડાસર તળાવ પાસે બેઠેલા આરોપી જયદીપ સુથારે પ્રિન્સને મિડાઝોલમ નામની દવા બતાવી હતી. તેણે પ્રિન્સને કહ્યું- આ દવાનો એકવાર નશો કર તને મજા આવશે. પ્રિન્સે હા પાડતા તેણે તુરંત જ તેને ઈન્જેક્શનમાં 3MLનો ડોઝ આપી દીધો હતો. ઈન્જેક્શન લીધા બાદ પ્રિન્સ એકદમ નશામાં ધૂત થઈ ગયો હતો અને આસપાસનું તેને કશું જ ભાન રહ્યું નહોતું. ગણતરીની મિનિટોમાં જ તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું ને તે ઢળી પડ્યો. આ દ્રશ્ય જોઈને તેની સાથે આવેલો મિત્ર તરુણ એકદમ જ ગભરાઈ ગયો હતો. આ વખતે જયદીપે કહ્યું કે, થોડા કલાકોમાં હોશ આવી જશે હું ખરીદી કરીને આવું છું.
આરોપી યુવાનોને નશાના રવાડે ચઢાવી પૈસા કમાતો
ત્યારબાદ ગભરાઈ ગયેલા પ્રિન્સના મિત્ર તરુણે ફોન કરીને અન્ય મિત્રને જાણ કર્યા બાદ પ્રિન્સના માતા-પિતાને જાણ કરતા તેઓ ઘોડાસર તળાવ તુરંત દોડી આવ્યા હતા. તાત્કાલિક પ્રિન્સને સારવાર માટે લઇ જવાય તેની પહેલા જ તેનું મોત નીપજી ચૂક્યું હતુ. આ અંગે મૃતક પ્રિન્સની માતા અંજુબેન શર્માએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં જયદીપ સુથાર સામે સાઅપરાધ મનુષ્ય વધની ફરિયાદ નોધાવતા પોલીસે જયદીપની રાજસ્થાનથી ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. મૃતક પ્રિન્સ શર્માનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, જયદીપ સુથાર આ રીતે યુવાનોને નશાના રવાડે ચઢાવી પૈસા કમાય છે અને પ્રિન્સ શર્માએ અગાઉ તેને ટુકડે-ટુકડે પૈસા આપ્યા છે. અને બે વાર આ રીતે ઈન્જેક્શન લઈને નશો પણ કર્યો છે. હાલ આરોપી જયદીપ સુથાર સામે સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરી તે કેટલા યુવાનોના સંપર્કમાં છે? અને કેટલા યુવાનોને આ રીતે ડ્રગ્સનાં રવાડે ચઢાવી ચૂક્યો છે? તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.