(પ્રતિનિધિ) ભરૂચ,તા.14
નાગરિકો જ નહીં હવે તો પોલીસ પણ સાયબર માફીયાનો શિકાર બનતી હોવાનો ચોંકાવનારો કિસ્સો ભરૂચથી પ્રકાશમાં આવ્યો છે. ભરૂચ પોલીસ હેડ કવાટર્સના કોન્સ્ટેબલને કેવાયસી અપડેટના નામે સાયબર માફિયાઓએ શિકાર બનાવી રૂા.5.99 લાખનો ચૂનો ચોપડ્યો છે.આ બાબતે સાયબર મફિયાઓના શિકાર બનેલા કોન્સ્ટેબલે સાયબર ક્રાઈમમાં તેની સાથે થયેલી છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે. ભરૂચ તાલુકાના ઓસારા ગામના પટેલ ફળીયામાં યોગેશ ઠાકોર પોતાના પરિવાર સાથે રહે છે.તેઓ છેલ્લા 17 વર્ષથી પોલીસ હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.તે 29 નવેમ્બરે પોતાના ઘરમાં હતો તે સમયે એક કોલ આવતા સામેથી એક હિન્દી ભાષામાં બોલતા ઈસમે એક્સિસ બેંકના કર્મચારી બોલું છું તેવી ઓળખ આપી હતી. તેનું એક્સિસ બેંકમાં સેલેરી એકાઉન્ટ હોઇ અને કેવાયસી અપડેટ નહિ કરો તો એકાઉન્ટ બંધ થઈ જશે. ફરીથી ચાલુ કરાવવા 1600 રૂપિયા ચાર્જ લાગશે તેમ જણાવાયું હતું. આથી પોલીસ કોન્સ્ટેબલે સામેથી એક્સીસ બેંક કર્મચારી બોલતો હોવાનું લાગતા તેઓએ કેવાયસી અપડેટ કરવાની તૈયારી બતાવી હતી.
ત્યાર બાદ તેના વોટ્સએપ નંબર પર એક લિંક આવતા પોલીસ કર્મીએ તેમાં પોતાનું આધારકાર્ડ, પાનકાર્ડ અને ડેબિટ કાર્ડની વિગતો નાખી હતી. જે બાદ એક વિડીયો કોલિંગ આવતા તેમાં બેંક પાસબુક અને ઇમેઈલ આઈડી માંગતા કોન્સ્ટેબલ યોગેશને શંકા ગઈ હતી. કોલ કાપી તમામ નંબરો બ્લોક કરી તેઓ ઘરેથી કોલેજ રોડ પર આવેલી એક્સિસ બેંકની બ્રાન્ચ પર પહોચ્યા હતા .ત્યાં બેંક દ્વારા તેમને કોઈ કોલ નહિ કરાયો હોવાની માહિતી આપી હતી.તેઓએ તેમનું બેંક એકાઉન્ટ ચેક કરતા તેમની પર્સનલ લોન પર રૂ. 7.38 લાખની ટોપ અપ લોન લેવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ટોપ અપ લોનના જમા થયેલા નાણાં પૈકી ભેજાબાજો દ્વારા રૂ.5.99 લાખ સાત અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. જેથી તેને કોન્સ્ટેબલને તેની સાથે છેતરપીંડી થઈ હોવાનું લાગતા તેણે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.