વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા શરૂ કરાયેલી ગેરકાયદે દબાણ હટાવ ઝુંબેશ આજે 22માં દિવસે પણ સતત ચાલુ રહી હતી. શાસ્ત્રી બ્રિજથી છાણી સર્કલ સુધી રસ્તાની બંને બાજુના વોર્ડ નં.1-2 વિસ્તારમાંથી લારી ગલ્લાના હંગામી દબાણો, રોડ રસ્તા પર બનાવવામાં આવેલા કાચા પાકા શેડ, પાકા ઓટલા સહિતના હંગામી દબાણો પર દબાણ શાખાની ટીમ અને પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ ઉત્તર વિભાગમાં શાસ્ત્રી બ્રિજથી દબાણ શાખાની ટીમે આજે નિયત સમયે દબાણ હટાવો કામગીરી શરૂ કરી હતી ત્યારે બ્રિજ પાસે જ ઉભી રહેતી અનેક ખાણીપીણીની લારીઓ સહિત ખાનગી ટ્રાવેલ્સવાળાએ રોડ રસ્તા પર ગોઠવેલા ટેબલ ખુરશીઓ સહિત અનેક બંધ પડેલા વાહનો, બ્રિજ નીચે પડેલી અનેક ચીજ વસ્તુઓ સહિત ગાદલા-ગોદડાનો કેટલો જથ્થો જપ્ત કર્યો હતો.
જો કે ખાણી પીણીની લારીઓવાળાએ રોડ રસ્તા પર ગોઠવેલા ટેબલ ખુરશીઓ કબજે લેવાની કાર્યવાહી કરી ત્યારે નાસ્તા પાણી કરતા લોકોમાં ભાગદોડ મચી હતી. છાણી સર્કલ સુધીના રોડ રસ્તાની બંને બાજુના દબાણો હટાવવાની કામગીરી દબાણ શાખા શરૂ કરી ત્યારે ઠેક ઠેકાણે દબાણ કરનારાઓ અને પાલિકા ટીમ વચ્ચે બોલાચાલી અને રકઝક થઈ હતી. પરંતુ બંદોબસ્તમાં રહેલા છાણી પોલીસે મામલો તુરત સંભાળીને કામગીરીમાં થતી દખલ રોકી હતી. રસ્તા પર છાપરાવાળી કેટલીય બંધ લારીઓ સહિત ચા-પાણીની લારીઓ કાચા પાકા 15થી વધુ શેડ અને હતું. ઠેકાણે દુકાનદારોએ બહાર બનાવેલા કાચા પાકા ઓટલા પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. દબાણ શાખાની ટીમે પાંચ ટ્રક અને બે ટ્રેક્ટર જેટલો માલ સામાન કબજે કર્યો હતો ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા કરાતી કામગીરીમાં રોડ રસ્તા ખુલ્લા થઈ રહ્યા છે તે સારી બાબત છે પણ પાલિકા તંત્ર એ રોજ કમાઈને રોજ કરનાર લારી ગલ્લા ધારકો માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું પણ અમલીકરણ કરવું જોઈએ અને તેમના માટે પૂરતું કાયદા અનુરૂપ આયોજન કરવું જોઈએ જેથી લારીગલ્લાના ધારકોનો રોજગાર પણ ચાલે અને શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ બની રહે ,,સાથે જ શહેરના મોટા માથાઑના જે દબાણો છો તેની સામે પણ પાલિકાએ આજ પ્રકારની ઝુંબેશ ઉઠાવી જોઈએ અને તેવા દબાણ પણ તોડવા જોઈએ તેવી પણ લોકોમાં માંગ છે