
વડોદરા મહાનગરપાલિકાના પોતાના પરિસરમાં જ પર્યાવરણ પ્રત્યેની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. અહીં આવેલા એક વૃક્ષની આસપાસ સિમેન્ટ કોંક્રીટનુ ચણતર તો છે જ પણ થડમાં પણ ડામરનું આવરણ બનાવવામાં આવ્યું છે—એ પણ આવી રીતે કે વૃક્ષ માટે પાણી ઉતરવાની અને શ્વાસ લેવાની જગ્યા જ રહી નથી.અચંબાની વાત એ છે કે જે મહાનગરપાલિકા પર્યાવરણ સંરક્ષણ માટે લેટેસ્ટ અભિયાનો ચલાવે છે, ત્યારેજ તેના જ પરિસરમાં આવી ખામી સર્જાઈ છે. વૃક્ષ કોઈ રજૂઆત કરી શકતું નથી, ન તો આવેદનપત્ર આપી શકે, અને કદાચ એ માટે જ તેનો અવાજ અવગણાઈ રહ્યો છે. પરંતુ શું કુદરતનો કોઈ અવાજ નહિ હોય?
પર્યાવરણ પ્રેમીઓના હ્રદયમાં આ દૃશ્ય ઘેરી નારાજગી ઉભી કરી છે. અનેક કાર્યક્રમો, અપિલો—જેમ કે વડાપ્રધાનની ‘એક પેડ મા કે નામ’ જેવી પહેલ—જ્યારે દેશભરમાં ગુંજતી હોય, ત્યારે વડોદરાની પાલિકા પોતાના પરિસરમાં જ વૃક્ષોની દયનીય સ્થિતિનું ઉદાહરણ આપી રહી છે.આ પ્રકારનુ ડાબરનુ ચણતર વૃક્ષને મજબૂતી નથી આપતું—તે વૃક્ષના જીવનને ધીમે ધીમે ખતમ કરી દે છે. તેના થડ પર ભરી રહેલા પથ્થરો, તેનું શ્વાસ લેવુ મુશ્કેલ બનાવે છે. પાણીનો પ્રવાહ અટકી જાય છે, અને વૃક્ષ ભીતરથી સૂકાતું જાય છે.દિવસે અનેક પદાધિકારીઓ, કાઉન્સિલરો અને કર્મચારીઓ આ સ્થળ પરથી પસાર થાય છે. તેમ છતાં આ દ્રશ્ય કોઈની નજરમાં આવતું નહી હોય કદાચ તેઓ માત્ર સિમેન્ટ કોંક્રેટના ચણતરને ડામરીકરણને જ વિકાસ માની બેઠા છે.સમય છે કે હવે ‘મૌન’ તોડીને વૃક્ષ માટે અવાજ ઉઠાવવો પડશે. પર્યાવરણ પ્રેમીઓ, નાગરિકો અને માધ્યમો એક થઇને આવી બેદરકારી સામે પ્રશ્ન ઉઠાવે—કારણ કે જો વૃક્ષો નહિ બચાવીએ, તો આપણું ભવિષ્ય પણ નહીં બચી શકે. પાલિકા તંત્ર એ હજુ ગંભીર બનીને પર્યાવરણ નિષ્ણાતોના માર્ગદર્શન સલાહ સુચન સાથે જ કામગીરી થવી જોઈએ જેથી પર્યાવરણ સમતુલા વિકાસ થઈ શકે