
સમસ્યા વધુ હોય એની જ વાતો પણ વધુ થાય. સમય જેટલો મૂલ્યવાન છે એટલો જ જાણે વેડફાઈ રહ્યો હોય એવી જિંદગી મોટા ભાગના માણસો જીવી રહ્યા છે
આજકાલ સમજુ વર્ગમાં એક ટ્રેન્ડ ડેવલપ થયો છે. કોઈને પણ મોબાઇલ પર ફોન કરતાં પહેલાં મેસેજ કરીને પૂછી લેવાનું કે કેટલા વાગ્યે વાત થઈ શકે? વૉટ ઇઝ યૉર રાઇટ ઑર કમ્ફર્ટેબલ ટાઇમ ટુ ટૉક? આજકાલ તમે કોઈને ફોન કરો (હવે ફોન એટલે મોબાઇલ જ સમજવાનું) ત્યારે ૨૦-૨૫ ટકા કેસમાં જ એવું બને કે ફોન તરત કનેક્ટ થઈ જાય, બાકી ૭૫ ટકા ફોન તો એન્ગેજ જ આવે. તમને એ જ સાંભળવા મળે કે આપને જિસ વ્યક્તિ કો ફોન કિયા હૈ વો ઇસ સમય વ્યસ્ત હૈ, કૃપયા થોડી દેર કે બાદ ફોન કીજિએ… અથવા સામેના ફોનથી ઑટો મેસેજ આવી જાય કે કૅન આઇ કૉલ યુ લેટર? અથવા આઇ કૅન નૉટ ટૉક રાઇટ નાઓ.
આવું અજાણ્યા લોકો સાથે બને તો ઠીક છે, પરંતુ પરિચિતોમાં પણ આવું જ બને છે. મિત્રોને, સગાંને કે કોઈને પણ ફોન કરો ત્યારે સમયનું ધ્યાન રાખવું પડે છે. અલબત્ત, સમયની શિસ્ત પાળવી પણ જોઈએ. જેમ-જેમ મોબાઇલ વધતા ગયા, લોકો વચ્ચેની વાતો સતત વધતી ગઈ છે. કોઈ ફોન બિઝી ન મળે તો સુખદ આશ્ચર્ય પણ થાય. કાર, રિક્ષા, સાઇકલ, સ્કૂટર ચલાવતાં-ચલાવતાં મોબાઇલ પર વાત કરવાનું સહજ બની ગયું છે. ખેર, સમય અને લોકોની વ્યસ્તતાની હળવી છતાં ગંભીર હકીકતની વાત બાદ આપણે જરા સમયની ઊંડી વાત પર આવીએ.
સમયને બાંધી શકાતો નથી, સમયને રોકી શકાતો નથી; પરંતુ આપણા જીવનના અભિગમ યા સંજોગો મુજબ આપણને ઘણી વાર સમય રોકાઈ ગયો હોય અથવા બંધાઈ ગયો હોય એવું લાગે છે. કોઈ પણ વ્યક્તિના સમયનો બગાડ આપણા કારણે થાય નહીં એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ; કારણ કે સમય માત્ર પસાર કરવાનો હોતો નથી, જીવી લેવાનો અને માણી લેવાનો પણ હોય છે.
તમને થશે કે આજકાલ સમયની ચર્ચા બહુ થાય છે; પરંતુ શું થાય દોસ્તો, જેની સમસ્યા વધુ હોય એની જ વાતો પણ વધુ થાય. સમય જેટલો મૂલ્યવાન છે એટલો જ જાણે વેડફાઈ રહ્યો હોય એવી જિંદગી મોટા ભાગના માણસો જીવી રહ્યા છે. માણસો જેટલા એકબીજાથી દૂર થતા જાય છે એટલા મોબાઇલની વધુ નજીક આવતા જાય છે કારણ કે હવે માણસો મોબાઇલને પોતાનો સૌથી મોટો આધાર બનાવવા લાગ્યા છે. વાસ્તવમાં આપણે એ જાણવા-સમજવા તૈયાર જ નથી કે આ અતિરેક આપણા શારીરિક અને માનસિક બન્ને પ્રકારના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ સમયનું શું? શરીર અને મન બન્ને એક દિવસ ખતમ થઈ જ જવાનાં છે એ સૌ જાણે છે, પણ જીવનનો સમય જે ગયો છે યા જાય છે એ તો પાછો આવવાનો જ નથી. જો આપણી પાસે સમય જ નથી તો બચે છે શું? કોના માટે? આપણે પોતે જ નક્કી કરવું જોઈશે કે આપણને સમય વધુ જોઈએ છે કે મોબાઇલ?