
ભૂવા નગરી વડોદરામાં ઊર્મિ ચાર રસ્તા સુધીમાં 12 ભૂવા પડ્યા છે.ત્યારે, ભરઉનાળે કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ પર વધુ એક ભૂવો પડતા રોડ બેસી જવાનો ભય લોકોમાં ફેલાયો છે.
વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન ભૂવા પડવા એ સામાન્ય બાબત થઈ ગઈ છે પરંતુ હવે તો ઉનાળામાં પણ ભૂવા પડી રહ્યાના કિસ્સા બની રહ્યા છે ત્યારે કોર્પોરેશનનું તંત્ર પણ ભૂવાને કારણે ચિંતામાં મુકાઈ ગયું છે.ગત ચોમાસામાં વરસાદના કારણે તંત્રની પોલ ઠેક ઠેકાણે ખુલ્લી પડી હતી. ત્યારબાદ સમયાંતરે પણ શહેરના વિવિધ વિસ્તારમાં અવારનવાર ભુવો પડ્યાનું જાણવા મળે છે, ત્યારે શહેરના પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતા જેતલપુર ગરનાળા નજીક આવેલા જેતલપુર રોડના કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ આખેઆખો રોડ આગામી દિવસોમાં બેસી જાય તો પણ નવાઈ નહીં. રોડ પર ડીવાઇડરને અડીને 20 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડ્યો છે. સાવધાની માટે ભૂવાની બંને બાજુએ બેરીકેટ મૂકીને તંત્રએ સંતોષ માન્યો છે. ઉલ્લેખનીય છે કે.
જેતલપુર કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ પર રાહદારીઓની ચહલ પહલ સતત રહેવા સાથે દિવસ-રાત વાહનોનો ધમધમાટ સતત રહે છે ત્યારે રોડ રસ્તાના ડિવાઈડરની નજીકમાં જ વધુ એક ભૂવો પડ્યો છે જે અંદાજિત 20 ફૂટ જેટલો ઊંડો છે. આ ભૂવાએ તંત્રની પોલ ખોલી નાખી છે. આવું આડેધડ કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાનું ક્યારેય તંત્ર વિચારતું નહીં હોય એમ લાગી રહ્યું છે. કાશી વિશ્વેશ્વર મહાદેવથી ઊર્મિ ચાર રસ્તા સુધીમાં બીજા અન્ય 12 જેટલા ભૂવા પડેલા જ છે. આમ આ સમગ્ર રસ્તો ગમે ત્યારે બેસી જાય તો નવાઈ નહીં. કદાચ આવી રીતે રસ્તો બેસી જાય તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આ ભૂવાનું રીપેરીંગ કામ અને થાગડ થીગડ ક્યારેક કરે છે એ જ જોવું રહ્યું.અત્રે ઉલ્લેખનીય છે કે રોડ રસ્તા પર પડતા ભૂવા હવે સામાન્ય બની ગયા છે ત્યારે નવાઈની વાત તો એ છે કે ત્રણેય દિવસ અગાઉ સમા સાવલી રોડની ઊર્મિ સ્કૂલ પાસેના બ્રિજ પર પણ રોડ ડીવાઇડરની બાજુમાં જ એક ભૂવો પડતા અચરજ ફેલાયું હતું. આ ભૂવામાં ભાજપનો ઝંડો પણ લહેરાવાયો હતો.