
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે આરોપીને તેના વતન યુ.પી. ખાતે જઇ ઝડપી પાડયો
દાહોદમાં ૮ વર્ષ પહેલા પોતાના શેઠને ગોળી મારી મોતને ઘાટ ઉતારી ૧૨ લાખ રોકડા લૂંટીને ફરાર થઇ ગયેલા આરોપીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજસ્થાનથી ઝડપી પાડયો છે. વધુ તપાસ માટે આરોપીને દાહોદ રૂરલ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.
દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષે : ૨૦૧૬ માં નોંધાયેલી ફરિયાદની વિગત એવી છે કે, ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના શાહગંજ તાલુકાના ખુટહાન રોડ પર રહેતો દિલીપકુમાર અમરનાથભાઇ ત્રિપાઠી જાન્યુઆરી – ૨૦૧૬ માં લતેશભાઇ ભૂપેન્દ્રભાઇ શેઠની ત્યાં માસિક ૮ હજારના પગાર પર નોકરી કરતો હતો. ગત તા. ૦૬ – ૦૬ – ૨૦૧૬ ના રોજ તે શેઠ લતેશભાઇને કારમાં બેસાડીને વડોદરાથી બાલાશિનોર જવા માટે નીકળ્યો હતો. બાલાશિનોરમાં કોઇ વ્યક્તિ પાસેથી રોકડા ૧૨ લાખ લઇ તેઓ દાહોદમાં એક વ્યક્તિને આપવા માટે જઇ રહ્યા હતા. દાહોદ તાલુકાના રાબડાળ ગામેથી તેઓ પસાર થતા હતા. તે દરમિયાન લતેશભાઇ સૂઇ ગયા હતા. શેઠને સૂતેલા જોઇને ડ્રાઇવર દિલીપકુમાર ત્રિપાઠીની દાનત બગડી હતી. તેણે ટૂલ બોક્સમાં મૂકેલી શેઠની ગન લઇ પાંચ થી છ ગોળીઓ મારી દીધી હતી. શેઠની હત્યા કરીને રોકડા ૧૨ લાખ લઇને આરોપી દિલીપકુમાર ફરાર થઇ ગયો હતો. જે અંગે દાહોદ રૃરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ૮ વર્ષથી ફરાર આરોપી અંગે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને માહિતી મળી હતી કે, આરોપી હાલમાં તેના વતન ગયો છે. જેના આધારે પોલીસની ટીમે યુ.પી. જઇ આરોપીને ઝડપી પાડયો હતો.