દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પતી ગયું અને બધાંની નજર હવે 8 ફેબ્રુઆરીએ આવનારાં પરિણામ પર છે. આપણે ત્યાં મતદાન અને પરિણામો વચ્ચે એક્ઝિટ પોલની રમત ચાલે છે તેના કારણે ચૂંટણીનો ટેમ્પો જળવાય છે. આ વખતે પણ બુધવારે મતદાન પત્યું એ સાથે જ એક્ઝિટ પોલનો મારો શરૂ થઈ ગયેલો અને એક્ઝિટ પોલના વરતારા પ્રમાણે, ભાજપનો દિલ્હીમાં વનવાસ પૂરો થશે. દિલ્હી 1993માં રાજ્ય બન્યું પછી પહેલી ચૂંટણીમા જીતીને સરકાર ભાજપે બનાવેલી પણ પછી ભાજપનાં એવાં વળતાં પાણી થયાં કે, છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તામાં નથી આવતો. 1998થી સળંગ 15 વર્ષ માટે કૉંગ્રેસનાં શીલા દીક્ષિત મુખ્યમંત્રીપદે રહ્યાં ને પછી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની એન્ટ્રી થઈ એટલે 2013થી આમ આદમી પાર્ટી સત્તામાં છે. તેમાં પણ 2015થી તો સળંગ 10 વર્ષથી આમ આદમી પાર્ટીનું જ શાસન છે.
એક્ઝિટ પોલનો વરતારો છે કે આ વખતે કેજરીવાલની પાર્ટી હારશે ને ભાજપ ફરી સત્તામાં આવશે. મતદાન પત્યા પછી 10 એક્ઝિટ પોલ આવ્યા તેમાંથી 8 એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળશે એવી આગાહી કરાઈ છે જ્યારે 2 એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી આપની સરકાર બનશે એવો દાવો કરાયો છે. એક્ઝિટ પોલમાં ભાજપને મહત્તમ 60 અને આમ આદમી પાર્ટીને મહત્તમ 52 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. કૉંગ્રેસ 25 કરતાં વધારે બેઠકો જીતીને કિગ મેકર બનવાનાં સપનાં જોયા કરે છે પણ કૉંગ્રેસને મહત્તમ 3 બેઠકો મળવાની આગાહી કરાઈ છે. બે એક્ઝિટ પોલમાં તો કૉંગ્રેસ ખાતું પણ નહીં ખોલી શકે એવી આગાહી કરાઈ છે.