પૂંઠા-તેલ, વેફર અને પાપડના જથ્થાને કારણે આગ વધુ ભડકી, કામદારોમાં નાસભાગ, ફાયરનો મેજર કોલ જાહેર કરાયો; ત્રણને સામાન્ય ઈજા
રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફે્ક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી છે. કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ, દરરોજ તેમની કંપનીમાં 400-500 કામદારો ઉપસ્થિત હોય જ છે, જોકે આજે બુધવારની રજા હોઈ, કામદારોની સંખ્યા દરરોજ કરતાં ઓછી હતી. હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં એ અંગે માહિતી મળી નથી. આ આગને કારણે 1 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે અને ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં લોકોનાં ટોળાં મોટી સંખ્યામાં એકઠાં થઇ ગયાં છે. પ્રોડક્શન યુનિટમાં પૂંઠા-તેલ, વેફર અને પાપડના જથ્થાને કારણે આગ વધુ ભડકી હોવાની શક્યતા છે.
આ ભીષણ આગના પગલે મેજર કોલ જાહેર કરાતાં રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી ટેન્કરોને પણ દોડાવવાની ફરજ પડી છે. આગની દુર્ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી.
રાજકોટ મેટોડા GIDCમાં આવેલું ગોપાલ નમકીન યુનિટ કુલ 5 માળનું આવેલું છે. આ 5 માળના બિલ્ડિંગમાં નમકીન બનાવવાના યુનિટમાં આગ લાગતાં સતત બે કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ પર કાબૂ મેળવવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયરબ્રિગેડના જવાનોની સાથે સાથે ગોપાલ નમકીનમાં કામ કરતા કર્મચારીઓ પણ આગ પર કાબૂ લેવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. બારીઓના કાચ તોડીને ચારેય દિશામાંથી ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. સતત બે કલાકથી આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન થઇ રહ્યા છે, હજુ સુધી આગ કાબૂ આવ્યો નથી અને આગનું વિકરાળ સ્વરૂપ જોતાં આ આગને કાબૂમાં આવતાં હજુ પણ સમય લાગી શકે તેમ છે, જોકે સંપૂર્ણ આગ ક્યારે કાબૂમાં આવશે એ હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે.
આગની જાણ થતાં રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે, જોકે ફેક્ટરીમાં બોક્સ અને પ્લાસ્ટિક બેગ વધુ પ્રમાણમાં હોવાથી આગ વિકરાળ બની હોવાનું લાગી રહ્યું છે. હાલ ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
ગોપાલ નમકીનના મેનેજરે માહિતી આપતાં કહ્યું હતું કે અમારી કંપનીમાં 400-500 કામદારો હાજર જ હોય છે. આગને કાબૂ લેવા માટે ફાયરબ્રિગેડની ટીમ કામ કરી રહી છે. હજી સુધી અંદર કોઈ ફસાયાની જાણકારી મળી નથી.
ફેક્ટરીમાં વેફર, ફ્રાઇમ્સ, પાપડ જેવી વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ થતાં હોવાથી મોટા પ્રમાણમાં પૂઠાંનાં બોક્સ, તેલ, અને પ્લાસ્ટિકનો જથ્થો પડેલો હોય છે. આ તમામ વસ્તુઓના કારણે જ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાનું અનુમાન છે, જોકે આગ લાગ્યાનું કારણ તપાસ બાદ જ સામે આવશે.