
પાલિકામાં ચીફ ફાયર ઓફિસરની ખાલી માટે ખંડેરાવ માર્કેટ ખાતે ઉમેદવારોનાં ઇન્ટરવ્યૂ યોજાયાં હતાં. જેમાં વડોદરા ફાયરબ્રિગેડમાંથી સસ્પેન્ડ કરાયેલા પાર્થ બ્રહ્મભટ્ટ અને અમદાવાદ ફાયરમાંથી ટર્મિનેટ કરાયેલા અનિરુદ્ધસિંહ ગઢવી સહિત 10 ઉમેદવારોએ હાજરી આપી હતી.
વર્ષોથી ચીફ ફાયર ઓફિસરની ખાલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જેમાં અગાઉ ડોક્યૂમેન્ટ વેરિફિકેશન બાદ ઇન્ટર્વ્યુની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં સોમવારે 10 ઉમેદવારોએ ઇન્ટર્વ્યુ આપ્યાં હતાં. ગાંધીનગરથી આવેલા એક્સપર્ટ, પાલિકાના ઓડિટર, ડેપ્યુટી કમિશનર વહીવટ અને ફાયર વિભાગના વડાની પેનલે ઇન્ટર્વ્યુ લીધાં હતાં. જેમાં પાલિકામાંથી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પણ હાજર રહ્યા હતા. જ્યારે અમદાવાદ ફાયર બ્રિગેડમાં બોગસ સ્પોન્સરશિપ ધરાવવા બદલ ટર્મિનેટ કરાયેલા અનિરુદ્ધસિંહ ગઢવીએ પણ ઇન્ટર્વ્યુ આપ્યું હતું.
આ અંગે મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, જેની સામે ખાતાકીય તપાસ ચાલતી હોય અથવા સસ્પેન્ડ કરાયેલા હોય કે પછી ટર્મિનેટ કરાયેલા હોય તેમનાં ઇન્ટર્વ્યુમાં તેમની લાયકાત, ડોક્યૂમેન્ટ વગેરેની ચકાસણી કરવામાં આવતી હોય છે. તેમને ઇન્ટર્વ્યુ આપવાનો હક છે અને નિયમો અનુસાર જ કાર્યવાહી થશે.
અનિરુદ્ધસિંહ ગઢવીના ટર્મિનેશન સામે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે, હાલમાં અમદાવાદમાં ફરજ બજાવે છે
સૂત્રો મુજબ ઉમેદવાર અનિરુદ્ધસિંહ ગઢવીને બોગસ સ્પોન્સરશિપને કારણે અમદાવાદ ફાયર વિભાગમાંથી ટર્મિનેટ કરવાનો ઓર્ડર કરાયો હતો. જેની સામે તેઓ હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટે સ્ટે આપતા અનિરુદ્ધસિંહ અમદાવાદ ફાયરબ્રિગેડમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓએ ફરજ દરમિયાન વડોદરામાં ચીફ ફાયર ઓફિસરના પદ માટે ઉમેદવારી કરી છે.