
આજે સમગ્ર દેશભરમાં ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતી ઉત્સાહભેર ઉજવાઈ રહી છે. વડોદરા શહેરના સયાજીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ પર પણ દેશ-વિદેશમાંથી અનેક અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની કાર્યસાધનાને વંદન કર્યું હતું.
આ પ્રસંગે રાજસ્થાનના ભરતપુર લોકસભાના યુવા મહિલા સાંસદ સંજના જાટવ તેમની સમગ્ર ટીમ સાથે સંકલ્પ ભૂમિ ખાતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાંસદે જણાવ્યું હતું કે, “બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણના કારણે જ હું આજે શિક્ષિત બની શકી છું અને સંસદ સુધીની યાત્રા કરી શકી છું. એમનું માર્ગદર્શન દરેક પીડિત, વંચિત અને પાછળ પડેલા લોકો માટે આશાની કિરણ સમાન છે.”