જૂનાગઢ-વેરાવળ હાઇવે પર માળીયા હાટીના ગામ પાસે આજે સોમવારે ખૂબ જ ગંભીર અકસ્માત થયો હતો. બે કાર વચ્ચે થયેલી ટક્કરમાં પાંચ જેટલા સ્ટુડન્ટ્સના મોત થયા હોવાના અહેવાલ સામે મળી રહ્યા છે.
પ્રાપ્ત અહેવાલો જણાવે છે કે માળિયા હાટીના ગામની નજીક બે કાર પુરઝડપે આવી રહી હતી. આ બંને કારની સ્પીડ એટલી જોરદાર હતી કે ટક્કર થતાં જ બંને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
સીએનજી ગૅસ સિલિન્ડરમાં વિસ્ફોટ- પાસેના ઝુંપડાંઓમાં પણ ભભૂકી આગ
માળીયા હાટીના પાસે બે કાર વચ્ચે થયેલી ટક્કરમાં એક વિસ્ફોટ પણ થયો હોવાના અહેવાલ છે. જ્યારે સામેથી આવનાર વાહનની ટક્કર થતાં જ એક વાહમાં ફિટ CNG સિલિન્ડરમાં સ્ફોટ થયો હતો. અને આગ ફાટી નીકળી હતી. આ આગની જ્વાળાઓ એટલી ભયંકર હતી કે પાસે આવેલા કેટલાક ઝૂંપડાંઓ પણ તેની લપેટમાં આવી ગયા હતા. અંદર જે લોકો હતા તેઓ ફસાઈ ગયા હતા.
બચાવ કામગીરી શરૂ- કારમાં મુસાફરી કરી રહેલા લોકો બચાવી ન શકાયા
તમને જણાવી દઈએ કે લાગેલ આગ બાદ તાબડતોબ જૂનાગઢ પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. કારમાં જે લોકો પ્રવાસ કરી રહ્યા હતા તે પાંચ સ્ટુડન્ટ્સનો બચાવ કરવામાં ટીમને નિષ્ફળતા મળી હતી. કારમાં ભભૂકેલી આગમાં એ સ્ટુડન્ટ્સ બળી ગયા હતા.
આ ઘટના વિષે સ્થાનિક પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, “સીએનજી સિલિન્ડરના વિસ્ફોટને કારણે લાગેલી આગમાં મુસાફરો કારની અંદર જ ગૂંગળામણ થવાને કારણે મૃત્યુ પામ્યા હતા. આગ લાગ્યા બાદ અંદર બેઠેલા સ્ટુડન્ટ્સને બહાર કાઢવામાં નિષ્ફળતા મળી હતી. કારણકે ઓલરેડી કારનો દરવાજો લૉક હોવાથી કોઈને બહાર કાઢી શકાયું નહોતું. અને તે તમામ બળી ગયા હતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવશે.”
વધુ વિગતો આવશે- તપાસ જારી છે
તમને જણાવી દઈએ કે આ રૉડ અકસ્માતને કારણે આખો રસ્તો બ્લૉક થઈ ગયો હતો. બચાવ કામગીરી થઈ ગયા બાદ આખો રસ્તો હવે ફરીથી પૂર્વવત થઈ ગયો છે. અને વાહનવ્યવહાર ફરી શરૂ થઈ ગયો છે. ક્રેશ અને CNG સિલિન્ડર વિસ્ફોટના કારણ વિશે વધુ વિગતો મેળવવા માટે સત્તાવાળાઓ સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે.
મૃતકોના પરિવારમાં માતમ
તમને જણાવી દઈએ કે આ ભયાવહ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોકનું મોજું ફેલાયું છે, સાથે જ મૃતકના પરિવારજનો પર જાણે દુખનો પહાડ તૂટી પડ્યો છે. કોલેજ સત્તાવાળાઓએ પણ પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.