- પાણીગેટ ટાંકી પાસે અકસ્માતમાં રાહદારીઓનો આબાદ બચાવ
- અકસ્માતમાં બે નબીરા કારમાં હાજર હોવાનું જાણવા મળ્યું
વડોદરા શહેરમાં પોલીસની ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવના લીરેલીરા ઉડવા પામ્યા છે.મોડીરાત્રે ઓવર સ્પીડના કારણે એક કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહદારીઓનો આબાદ બચાવ થયો હતો. જ્યારે સ્થળ પર વિફરેલા લોકોના ટોળાએ પોલીસની હાજરીમાંજ કારમાં સવાર બે યુવકોને કાયદાનું ભાન કરાવવા બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
સ્માર્ટ સિટી વડોદરામાં ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો નિવારવા માટે સ્પેશ્યલ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. તેમજ લોકોમાં ટ્રાફિક નિયમ અંગે અવેરનેસ લાવવા માટે વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે. આ ઉપરાંત દંડનીય કાર્યવાહી કરી લોકોના વાહન ડિટેન પણ કરવામાં આવતા હોય છે, તેમ છતાં કેટલાક ચાલકો આજે પણ ટ્રાફિક નિયમનનો સરેઆમ ભંગ કરતા જોવા મળ્યા છે. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારની ટાંકી પાસે મોડી રાત્રે એક ઓવર સ્પીડના કારણે અકસ્માતની ઘટના બની હતી. કારનું બોનેટ ઉખડી ગયું હતું. મોડી રાત્રે થયેલા આ અકસ્માતમાં ધડાકાનો અવાજ આવતા જ લોકો દોડ્યા હતા અકસ્માતમાં બે નબીરા કારમાં હાજર હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવની જાણ થતા જ ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી હતી. ત્યારે વિફરેલા ટોળાએ પોલીસની હાજરીમાં જ કાયદાનું ભાન કરાવવા યુવકોને મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે ટોળા વચ્ચેથી કારચાલક તથા એક અન્યને મહા મહેનતે દૂર ખસેડ્યા હતા. મહત્વની બાબત છે કે, શહેરમાં દરરોજ રાત પડે પૂરપાટ દોડતા વાહનો લોકોના જીવને જોખમ ઊભું કરી રહ્યા છે. પાણીગેટ ટાંકી પાસે સર્જાયેલા અકસ્માતમાં રાહદારીઓનો આબાદ બચાવ થયો હતો.બનાવ અંગે પોલીસે યુવકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.