કરજણ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરને જોડતા પાલેજ-નારેશ્વર રોડના માલોદ થી નારેશ્વર સુધીના રોડની હાલત તદ્દન બિસ્માર અને ઉબડખાબડ બની જતાં વાહનચાલકોનો સમય, શક્તિ અને ઇંધણનો વેડફાટ અને વાહનોના સ્પેરપાર્ટને ભારે આર્થિક નુકશાન થતું હોય વાહનચાલકોની હાલત અત્યંત કફોડી બની છે. ઉપરાંત પગપાળા નર્મદાનદીની પરિક્રમા કરી રહેલા પરિક્રમાવાસીઓને રોડ ઉપર ક્યાં ચાલવું તે અંગે પણ વિકટ સમસ્યા બનવા પામી છે.
મળતી માહિતી અનુસાર પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર કરજણ તાલુકાનું છેવાળાનું અને નર્મદાનદીના કિનારે આવેલું ગામ છે. જ્યાં શ્રીરંગ અવધૂત આશ્રમ આવેલો છે. દર માસની પૂનમ ,રવિવાર ,ગુરુવાર અને જાહેર તહેવારોના દિવસે અનેક શ્રદ્ધાળુઓ અને યાત્રિકો ખાનગી વાહનો તેમજ પ્રવાસી બસો સાથે ઉમટી પડે છે. અને આ વિસ્તારમાં અનેક રેતીની લીઝો આવેલી હોય ભારદારી, અન લોડીંગ વાહનોને લીધે આ રોડ પર દિવસ દરમિયાન વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે.પરંતુ નારેશ્વર-પાલેજને જોડતાં રોડના માલોદ ગામ થી નારેશ્વર સુધી નો રોડ છેલ્લા ઘણા સમયથી તદ્દન ખરાબ અને બિસ્માર થઈ ગયેલો છે. જેના કારણે વાહનોની ઝડપ થતી નથી. સમય , શકિત અને ઈંધણ નો ભારે વેડફાય થઈ રહ્યો છે. વાહનોના સ્પેરપાર્ટને પણ ગંભીર આર્થિક નુકશાન થઈ રહ્યું છે. તેમજ આ રસ્તાની અસમતલ, નાના મોટા ખાડા પડી ગયેલા ખખડધજ હાલતને કારણે મોટર સાઇકલ, નાના વાહનોને અવરજવર કરવી જોખમી બની છે. જેને પગલે અનેક મોટર સાઈકલ સવારો રોડ ઉપર પટકાયા હોવાના અને શરીરે ઓછી વત્તી ઈજાઓ થવાના બનાવો બનતા રહે છે. આમ અકસ્માતોનું પ્રમાણ વધી જાય તે પૂર્વે વહેલી તકે આ રસ્તાની મરામત કે કામગીરીના શ્રીગણેશ થાય તેવી આશા રહીશો, યાત્રિકો, શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકો રાખી રહ્યા છે.
આ રોડ ઉપર નર્મદા નદીની પરિક્રમા કરવા માટે રોજના મોટી સંખ્યામાં પરિક્રમા વાસીઓ પગપાળા ચાલતાં જતાં હોય છે. ત્યારે માલોદ થી નારેશ્વર સુધી નો રોડ અત્યંત બિસ્માર, ઉબડખાબડ હોય અને રોડ ઉપર કાકરા, મેટલ ઉખડી ગયેલા, છૂટા પડેલા હોય રોડ ઉપર ચાલવું ખૂબ જ દુસ્વાર બન્યું છે. રોડની આવી બિસ્માર સ્થિતિ ને લીધે વાહનોની અવરજવર દરમિયાન ઉડતી ધૂળની ડમરીઓને કારણે પણ રાહદારીઓ, પરીક્રમા વાસીઓની હાલત અત્યંત કફોડી બનવા પામી છે.