
વડોદરાઃ વિદ્યાર્થીઓના ઈનોવેશન્સને પ્રોત્સાહન આપવા માટેના બે દિવસના મેકર્સ ફેસ્ટનો આજથી એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ખાતે પ્રારંભ થયો હતો.જેમાં ૭૦ જેટલા ઈનોવેશન અને વિદ્યાર્થીઓના પ્રોજેકટસ રજૂ થયા છે.
શહેરની યુવાલય સંસ્થા અને વડોદરા ઈનોવેશન કાઉન્સિલ દ્વારા એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના સહયોગથી મેકર્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓએ તેમાં રેસ્ટોરન્ટ કે મોલમાં કામ કરી શકતા રોબોટથી માંડીને ફેફસાના કેન્સરની નાક વાટે લઈ શકાતી દવા જેવા અલગ અલગ પ્રકારના ઈનોવેશન્સ રજૂ કર્યા છે.
વેઈટર કે મોલના કર્મચારીની ગરજ સારતો રોબોટ બનાવનાર વિદ્યાર્થીઓ નચિકેત સોમાની, તર્જ વૈષ્ણવ અને ઓવેશ ભાડાએ કહ્યું હતું કે, આ રોબોટ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી એમ ચાર ભાષા બોલી શકે છે.રોબો ફેસ્ટ નામની ઈવેન્ટમાં અમારા આ ઈનોવેશનને અઢી લાખ રુપિયાનું પ્રાઈઝ પણ મળ્યું હતું.રોબોટનું અમે અમારી કોલેજમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરી ચૂકયા છે.તે ચહેરા યાદ રાખી શકે છે અને અવાજ પણ ઓળખી શકે છે.
એમફાર્મના વિદ્યાર્થી રવિ પાંડેએ અધ્યાપક ડો.હેમલ ટંડેલના માર્ગદર્શન હેઠળ ફેફસાના કેન્સરના દર્દીઓ માટે નાકથી લઈ શકાય તેવી નેનો પાર્ટિકલ આધારિત દવા બનાવી છે.તેનું કહેવું છે કે, ફેફસાના કેન્સરની બીજી દવાઓ ઈન્જેક્શન વાટે લેવામાં આવે છે ત્યારે તે શરીરના બીજા ભાગોમાં પણ પ્રસરે છે.જ્યારે આ દવાની ખાસિયત એ છે કે, તે કેન્સરના સેલને જ ટાર્ગેટ કરે છે.આમ ઓછા ડોઝમાં આ દવા વધારે અસર કરે છે.તેને નાક વાટે ઈન્હેલરની જેમ લઈ શકાય છે.એટલે દવા લેવામાં પણ આસાની રહે છે.કેન્સર ગ્રસ્ત સેલ પર લેબોરેટરીમાં ં અને ઉંદરો પરના પરિક્ષણમાં તેના ઉત્સાહજનક પરિણામ દેખાયા છે.આ દવાની ક્લિનિકલ ટ્રાયલ હજી બાકી છે.