એક વર્ષમાં શ્રી અધિકારી બ્રધર્સના શૅરે આપ્યું કલ્પના બહારનું રિટર્ન : દસમી ડિસેમ્બરે આ શૅર ૭૪,૫૦૮ ટકા વળતર આપતો હતો, એની સામે સેન્સેક્સ અને નિફ્ટીએ સિંગલ ડિજિટમાં જ વળતર આપ્યું છે
ગઈ કાલે પૂરા થયેલા ૨૦૨૪માં સેન્સેક્સ અને નિફ્ટીએ સિંગલ ડિજિટમાં રિટર્ન આપ્યું હતું, પણ માર્કેટ લીડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરે રોકાણકારોને છ ટકા નુકસાન કરાવ્યું હતું. આવી જ રીતે બીજા બ્લુ ચિપ શૅર HDFC બૅન્કે માત્ર ચાર ટકા અને લાર્સન ઍન્ડ ટૂબ્રોએ પોણાબે ટકા વળતર આપ્યું હોવાથી ઇન્વેસ્ટરો નિરાશ થયા હતા.
જોકે આ બધા વચ્ચે એક શૅર એવો છે જેણે આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલું રિટર્ન આપ્યું છે. આ શૅર છે શ્રી અધિકારી બ્રધર્સ. એણે એક વર્ષમાં બે-પાંચ, સો-બસો, હજાર-બે હજાર કે દસ-વીસ હજાર ટકા નહીં, પરંતું ૫૨,૭૭૯ ટકા વળતર આપ્યું છે. દસમી ડિસેમ્બરે તો આ શૅરે ૭૪,૫૦૮ ટકા વળતર આપ્યું હતું. ત્યાર બાદ નીચલી સર્કિટને લીધે એનો ભાવ દસમી ડિસેમ્બરે ૨૧૯૮ રૂપિયાની સામે ગઈ કાલે ૧૫૫૭ રૂપિયા થઈ ગયો હતો. ૨૦૨૪ની ૧ જાન્યુઆરીએ શ્રી અધિકારી બ્રધર્સના શૅરનો ભાવ ૨.૯૫ રૂપિયા હતો. જોકે નવાઈની વાત એ છે કે આ કંપની ભયંકર રીતે ખોટના ખાડામાં છે છતાં આ શૅરે ઇન્વેસ્ટરોને ૨૦૨૪માં બખ્ખાં કરાવી દીધાં છે.